ચાર દરવાજામાં લોકસંપર્ક કરતા પ્રશાંત પટેલ ને જોઈ ભાજપના ટાઇગર સ્વ. નલિન ભટ્ટ ના દિવસો યાદ આવે છે.

વડોદરા લોકસભા બેઠક પર ભલે ભાજપ તરફ થી જે પણ ઉમેદવાર આવે, અને કોઈ પણ પક્ષ જીતે કે હારે, પરંતુ દાયકાઓ પછી , વડોદરાના ચાર દરવાજાઓમાં ચૂંટણીનો રંગ જોવા મળ્યો છે.

આ વખતે કોંગ્રેસ દ્વારા પ્રશાંત પટેલ ઊર્ફે ટીકાને લોકસભાની ટિકિટ આપી છે, ત્યારે ભલે ફેસબુક જનરેશન ને ટીકો કોણ તેવો સવાલ હોય, પરંતુ ટીકાની લોક સંપર્ક ની પદ્ધતિ અને લોકો સાથે ની આત્મીયતા માં ભાજપના ટાઇગર એવા સ્વ. નલિન ભટ્ટ ની છબી અવશ્ય દેખાય છે. આ બંને નેતાઓ માં એક નહિ પરંતુ અનેક સામ્યતા જોવા મળી રહી છે.

સ્વ. નલિન ભટ્ટ અને પ્રશાંત પટેલ કોલેજ કાળમાંજ નેતૃત્વ ના પાઠ ભણ્યા હતા. બંને વિદ્યાર્થી નેતાઓ તરીકે ઉભરીને આવ્યા હતા. નલિન ભટ્ટ અને પ્રશાંત બન્નેને યુવાનો ભરપૂર સહયોગ આપતા રહે છે. છેલ્લા 22 વર્ષના ભાજપના શાસન બાદ કદાચ ગુજરાતમાં પ્રશાંત પટેલ એક માત્ર એવો ઉમેદવાર છે, કે જેની સાથે યુવાનો ના ટોળે ટોળાં જોવા મળે છે.  વડોદરા એ આ દૃશ્ય નલિન ભટ્ટના સમયે જોયું હતું.

સ્વ. નલિન ભટ્ટ અને પ્રશાંત પટેલ બંને પોળ ના છોકરા છે. બાજવાડા ની તવારીખ જોઈએ તો આજે પણ નલિન ભટ્ટ ની અનેક વાતો બહાર આવે છે, તેમ ઘડિયાળી પોળ અને સુલતાન પુરમાં મોટો થયેલો પ્રશાંત પટેલની અને વાતો આજે પણ આ પોળો માં છાસવારે ચર્ચાતી રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ગુજરાત માં એક એક સીટ માટે ભાજપ સંઘર્ષ કરતું હતું, ત્યારે વડોદરામાં સ્વ. નલિન ભટ્ટ અને અમદાવાદમાં ખાડીયાનો છોકરો એટલે સ્વ.અશોક ભટ્ટ મધ્યાનમાં તપતા કોંગ્રેસના સુરજ સામે પડ્યા હતા. આજે પ્રશાંત પટેલની લડત પણ કંઈક એવીજ છે, જ્યારે સમગ્ર દેશ માં નમો અગેન છવાયેલું છે.

બીજી એકવાત માં ખૂબ મોટી સામ્યતા છે કે સ્વ. નલિન ભટ્ટ પણ અંબા માતાના આશીર્વાદ લઈ ને પ્રચાર શરૂ કરતાં હતાં, અને આજે પ્રશાંત પટેલે પણ આજ રીતે લોક સંપર્ક નો પ્રારંભ અંબા માતા ના આશીર્વાદ પ્રાપ્ત કરી ને કર્યો છે.

વડોદરા ના ચાર દરવાજાએ હમેશાં લડાયક ,નીડર અને મજબૂત નેતાઓ ગુજરાત ને આપ્યા છે, જેમાં પ્રશાંત પટેલ નો ઉમેરો થયો છે.  હાર જીત એ ચૂંટણી છે પરંતુ આ હારજીત નેતૃત્વ ને હણી શકતું નથી. નહિતર યોગેશ પટેલ આજે મંત્રી પદ ને ના શોભાવતા હોત, કારણકે કોર્પોરેશન ની ચૂંટણી યોગેશ કાકા પણ હાર્યા હતા.

આમ વર્ષો બાદ અમદાવાદ ના ખાડિયામાં સ્વ. અશોક ભટ્ટ સમય નો તરવરાટ, વડોદરામાં નલિન ભટ્ટ જેવો તરવરાટ આ વખતે પ્રશાંત પટેલ વખતે જોવા મળ્યો છે.

 

, , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *