જ્યારે પણ ઓટો ડ્રાઈવરનું નામ સાંભળીએ, ત્યારે મનમાં એક સામાન્ય છબી ઉપસે. ‘કેટલું કમાતા હશે ભલા? આખો દિવસ રિક્ષા ચલાવીને થાકી જતા હશે!’ – આવા જ વિચારો આવે, ખરું ને? પણ જો હું તમને કહું કે મુંબઈનો એક ઓટો ડ્રાઈવર રિક્ષા ચલાવ્યા વગર જ, પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને અનોખી સૂઝથી દર મહિને ₹5 થી ₹8 લાખ રૂપિયા કમાય છે, તો તમને આશ્ચર્ય થશે ને?
આ કોઈ બોલીવુડ ફિલ્મની વાર્તા નથી, પણ એક એવી વાસ્તવિકતા છે જે આ સમયે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે!
આ અદ્ભુત કિસ્સો બહાર લાવ્યા છે લેન્સકાર્ટના પ્રોડક્ટ લીડર રાહુલ રૂપાણી. તેમણે લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરીને આ ઓટો ડાઈવરની ‘સ્ટ્રીટ સ્માર્ટ’ કહાણી સૌની સામે મૂકી છે. રાહુલે જણાવ્યું કે આ ઓટો ડ્રાઈવર મુંબઈમાં US કોન્સ્યુલેટની બહાર પોતાની ‘યુનિક સર્વિસ’ આપે છે.
“સાહેબ, મને બેગ આપો… માત્ર ₹1000!” – કેવી રીતે બદલાઈ લાઈફ?
રાહુલ રૂપાણી જ્યારે પોતાની વિઝા એપોઇન્ટમેન્ટ માટે US કોન્સ્યુલેટ પહોંચ્યા, ત્યારે તેમને જાણ થઈ કે અંદર કોઈ પણ પ્રકારની બેગ લઈ જવાની મનાઈ છે. અને હા, ત્યાં સામાન રાખવા માટે કોઈ લોકરની સુવિધા પણ નહોતી! બસ, આ જ ક્ષણે ‘ઓપોર્ચ્યુનિટી’ ઓળખી લીધી આપણા આ ઓટો ડ્રાઈવરે.
ત્યાં જ ઊભેલા આ ઓટો ડ્રાઈવરે રાહુલને કહ્યું, “સાહેબ, મને બેગ આપો. હું તેને સુરક્ષિત રાખીશ, મારો દૈનિક ચાર્જ 1000 રૂપિયા છે.” – શું સિમ્પલ અને અસરકારક સોલ્યુશન!
આ ઓટો ડ્રાઈવર રોજ આ જ કામ કરે છે. દરરોજ લોકોનો કિંમતી સામાન સુરક્ષિત રાખે છે અને દરેક ગ્રાહક પાસેથી ₹1000 વસૂલ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેને રોજ 20 થી 30 ગ્રાહકો મળે છે! ગણિત માંડો તો, આ ભાઈ દૈનિક ₹20,000 થી ₹30,000 કમાય છે! અને મહિનાના આંકડા? ₹5 થી ₹8 લાખ રૂપિયા! જી હા, એટલા જ.
‘લોકોનો વિશ્વાસ’ અને ‘લોકલ પાર્ટનરશિપ’નો જાદુ!
આ ઓટો ડ્રાઈવર માત્ર બેગ સંભાળી નથી રહ્યો, પણ તેણે સ્થાનિક પોલીસ અધિકારી સાથે ભાગીદારી પણ કરી છે, જ્યાં તે લોકરમાં સામાન સુરક્ષિત રાખે છે. આનાથી ગ્રાહકોનો વિશ્વાસ વધે છે અને સર્વિસની વિશ્વસનીયતા પણ.
રાહુલ રૂપાણીએ પોતાની પોસ્ટમાં બરાબર લખ્યું છે કે, “આ વાસ્તવિક ઉદ્યોગસાહસિકતા છે. કોઈ પિચ ડેક નહીં, કોઈ સ્ટાર્ટઅપ બકવાસ નથી. ફક્ત એક યોગ્ય સ્થાન, યોગ્ય વિચાર અને થોડો વિશ્વાસ.” તેમણે આને “માસ્ટરક્લાસ” ગણાવ્યો!
દોસ્તો, આ બતાવે છે કે સર્જનાત્મકતા અને નવીનતા કોઈ ડિગ્રી કે મોટી ઓફિસની મોહતાજ નથી. બસ, આસપાસની તકોને પારખી, એક નાનકડો વિચાર અને તેને અમલમાં મૂકવાની હિંમત જોઈએ.